|
સર્ગ બીજો
સત્યવાન
વસ્તુનિર્દેશ
વિધિનિર્મિત ઘડી ને વિધિનિર્મિત સ્થાન હવે આવ્યું. ભાગ્યનિર્માણના આ દિવસે
સાવિત્રીને બધું યાદ આવ્યું. ગહન ઊંડાણોમાં જવાને બદલે મનુષ્યોના નિવાસો
તરફ વળતો માર્ગ, જબરજસ્ત એકસ્વરતાએ ભર્યું અરણ્ય, દીપિત દ્રષ્ટાના જેવું
ઉપર ઊઘડેલું પ્રભાત, વ્યોમમાં વિલીનતા પામેલાં શિખરોની ભાવોત્કટતા, અંત
વગરનાં વનોનો અપાર મર્મરધ્વનિ, આ સર્વ સાવિત્રીની સ્મૃતિમાં સ્ફૂર્યું.
ત્યાં એક અજાણ્યા જગતની કિનારીએ આનંદધામમાં પ્રવેશ કરાવતા ઝાંપા જેવું
આશ્ચર્ય આપે એવું સ્થાન આવ્યું. એની નીરવતામાં ચમત્કારી સૂચનો ભર્યાં હતાં,
સૂર્યપ્રકાશ એની ઉપર પથરાયેલો હતો. વનદેવતાઓની આંખો જેવાં ફૂલ ત્યાંથી
ડોકિયાં કરતાં દેખાતાં હતાં, શાખાઓ કિરણોના કાનમાં કંઈક ગુપચુપ કહેતી હોય
એવું લાગતું હતું, સુખના ઉચ્છવાસ સમી સમીરલહરીઓ સૂતેલાં તૃણ ઉપર થઈને
સંચરતી હતી, સંતાઈ રહેલાં વનવિહંગોના પરસ્પર થતા સાદ આનંદ આપતા હતા. એ
સુંદર અને નિશ્ચિંત નિલયમાં પૃથ્વીમાતા આત્માને શક્તિનાં ને શાંતિનાં
ગાનગુંજન સંભળાવી રહી હતી.
એ નિર્જન જેવા દેખાતા પ્રદેશમાં મનુષ્યનો વસવાટ છે એવું સૂચવતી એકમાત્ર
પગદંડી તીરની માફક વનની ગહનતા વીંધીને જતી હતી. ત્યાંના એકાંતના અસીમ
સ્વપ્નને એણે આક્રાંત કર્યું હતું.
જે એકને માટે સાવિત્રીનું હૃદય આટલે દૂર આવ્યું હતું તે એકનો એને આ સ્થાને
પ્રથમ ભેટો થયો. વનની મનોહર કિનાર પર લીલેરી ને સોનેરી શોભા વચ્ચે એણે
દર્શન દીધાં. એ અદભુત પુરુષ જ્યોતિના જીવંત શસ્ત્ર સમો કે પ્રભુના સીધા
ઉઠાવાયેલા ભાલા જેવો લાગતો હતો. પ્રભાતને જાણે એ દોરી રહ્યો હોય એવું
૬૭
દેખાતું હતું. શાંત ને સુવિશાળ સ્વર્ગના જેવું ઉદાત્ત અને અવદાત એનું ભાલ
પ્રજ્ઞાના પટ સમાન શોભતું હતું, સ્વભાવની સ્વતંત્રતાનું સૌન્દર્ય એનાં
અંગોના વળાંકોમાં ઓજથી ઓપતું હતું, એના નિખાલસ મુખ પર જીવનનો આનંદ ઉલ્લસતો
હતો, એની દૃષ્ટિ દેવોના પરોઢિયા જેવી હતી, એનું મસ્તક એક તરુણ ઋષિનું ને
શરીરસૌષ્ઠવ હતું પ્રેમીનું ને રાજવીનું. કાનનની કિનારને એની કાંતિ કમનીય
બનાવી રહી હતી. વિરોધી વિધિએ એને રાજપાટનું નાટક છોડાવી અહીં આણ્યો હતો,
અને કુદરતના કુંજોમાં જગજૂની માને ખોળે મૂકયો હતો. અહીં પ્રકૃતિનો પાલિત
પુત્ર બનેલો એ માનાં એકાંતોનો, મનોહર દૃશ્યોનો અને એની ગૂઢ વિદ્યાઓનો
જ્ઞાતા બની ગયો હતો. માનો મહાપ્રભાવ એના જીવનમાં જીવંત બની ગયો હતો,
વનવાસી પશુપંખી, પાદપો અને પુષ્પોની સાથે એના આત્માનો પણ સ્વાભાવિક વિકાસ
થઇ રહ્યો હતો, સર્વમાં રહેલા એકાત્મા સાથે એણે એકતા સહજભાવે સાધી હતી,
અખિલની આધ માતાનો આત્મલય એનાં કર્મોનો લયપ્રવાહ બની ગયો હતો.
દૈવના તે દિવસે પ્રારબ્ધે એનાં પગલાંને એ દિશાએ વાળ્યાં હતાં ને બરોબર એ
સ્થળે આણ્યાં હતાં. બીજી બાજુ સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી હતી અને
કુદરતની શોભાનું નિરીક્ષણ કરતી હતી. વૃક્ષો, વેલો અને પુષ્પો પર એની
દૃષ્ટિ રમતી હતી, પહાડોનું ને આકાશનું અવલોકન કરતી હતી, ત્યાંના સુંદર ને
સંવાદી દૃશ્યોના દર્શનમાં વ્યાપૃત બની હતી. ત્યાં અચાનક એની આંખ સત્યવાન
જ્યાં ઊભો હતો તે દિશા તરફ વળી. પ્રથમ તો આ પુરુષોત્તમની પ્રતિ એનું ધ્યાન
ખાસ ન ખેંચાયું ને તટસ્થતાપૂર્વક એ બીજે કયાંક વળી ગયું હોત ને આમ કદાચ
દૈવનો દીધો અનેરો અવસર એ ચૂકી પણ ગઈ હોત; પણ ભાગ્યદેવતાએ વેળાસર એના સચેત
આત્માને સ્પર્શ્યો. સત્યવાન ઉપર એની દૃષ્ટિ હવે સ્થિર થઇ અને બધું જ બદલાઈ
ગયું.
આદર્શનાં સ્વપ્નાંઓમાં સરતા સાવિત્રીના મને પ્રથમ તો એને સ્થાનના દેવતા
રૂપે કલ્પ્યો; નાજુક હવામાં આલેખાયેલો એ જાણે જીવનનો રાજા છે એવું એને
લાગ્યું, પરંતુ આ તો માત્ર એક ક્ષણનું દિવાસ્વપ્ન જ હતું. કેમ કે ઓચિંતાની
એના હૃદયે ભાવની ઉત્કટતાભરી દૃષ્ટિ એની ઉપર કરી અને પોતાના નિકટમાં નિકટ
તાર કરતાંય વધારે નિકટ સ્વરૂપે એને ઓળખી લીધો. એનાં ઊંડાણોમાં એક નિગૂઢ
ખળભળાટ જાગી ઊઠયો. સાવિત્રીની ઉપર સુવર્ણસુંદર દેવતાઓએ આક્રમણ કર્યું અને
એના આત્માએ એને માટે એકેએક બારણું ઉઘાડી દીધું.
સાવિત્રીનો દોડતો જતો રથ થંભી ગયો અને સત્યવાને પોતાના આત્માનાં દ્વારોમાં
થઇ બહાર દૃષ્ટિ કરી, અને એણે સાવિત્રીના સ્વરની મોહિની અનુભવી, એક
ચમત્કારથી પૂર્ણ પૂર્ણ સૌન્દર્યનું સુવદન અવલોક્યું ને સમુદ્ર જેમ ચંદ્ર
પ્રતિ વળે છે તેમ પોતે તેની તરફ વળ્યો. વસ્તુઓમાં એક નવીન દિવ્યતા
દૃષ્ટિગોચર થઈ,
૬૮
આરાધ્ય બની ગઈ, અને એનું આખું જીવન એક અન્ય જીવનની અંદર પ્રવેશ પામી ગયું.
આશ્ચર્યભાવ ભર્યો એ ઘાસ ઉપર થઈને સાવિત્રીની સમીપમાં આવ્યો ને મીટ શું
મીટનાં આલિંગન થયાં.
સાવિત્રીએ પણ સામે ઉદાત્ત ને અભિજાત ગૌરવપૂર્ણ પ્રશાંત મુખમુદ્રા નિહાળી
અને એની આંતર દૃષ્ટિને યાદ આવ્યું કે આ તો તે જ મસ્તક છે કે જેણે એના
ભૂતકાળનો તાજ પહેર્યો હતો, એના આત્મા ઉપર જેનો દિવ્ય દાવો છે એવો સત્તત્વનો
સાથી અને સર્વાધિકારી સ્વામી. સત્યવાનેય સાવિત્રીમાં પોતાનાં ક્લ્પોનાં
સ્વપ્નને મૂર્ત્તિમંત થયેલાં દીઠાં, પરમાનંદની રહસ્યમયતા એને માટે સ્થૂલ
રૂપે પ્રકટ થયેલી જોઈ. સાવિત્રીએ પોતાના હૃદયમાં એનાં સમસ્ત લક્ષ્યોની
નિગૂઢ ચાવી રાખી હતી એવું એને લાગ્યું. અમરના આનંદને પૃથ્વી ઉપર લાવનારો
મહામંત્ર, જગતના જીવનને સૂર્યની નિકટે ખેંચી જનાર જાદૂ એણે સાવિત્રીમાં
જોયા.
આત્મા પ્રત્યુત્તર આપતા આત્માને ઓળખી કાઢે છે ને કાળ એની આડે આવી શકતો નથી.
આપણાં સઘળાં જ્ઞાનોની પારની વસ્તુને પિછાનનારી જે એક શક્તિ આપણી અંદર રહેલી
છે તે છે પરમ ને એ સનાતનનાં ધામોમાંથી આવેલો હોય છે. એનો મહિમા સર્વને
પલટાવી નાખવાની તાકાત ઘરાવે છે.
આ પ્રેમ પૃથ્વી પર પતિતાવસ્થાને જોકે પ્રાપ્ત થઈ ગયેલો જોવામાં આવે છે
છતાંય પ્રેમ તે પ્રેમ છે. અનેક અધમ બળો એને ભ્રષ્ટ બનાવે, પ્રભુથી તે દૂર
હોય, આપણી ઇન્દ્રિયો આપણને ઠગે, તો પણ આ પ્રેમની ઝાંખી કરી શકાય છે અને
પરિણામે પરમાનંદ પ્રાપ્ત થઈ જાય છે.
પ્રેમ-પ્રભુને ધારણ કરી શકે એવું સત્પાત્ર વિરલ હોય છે, હજારો વરસો
પછી કોઈ એકાદ આત્મા એને માટે તત્પર ને તૈયાર થયો હોય છે, ને એક જ એના
અવતરણને ઝીલી શકે છે.
સાવિત્રીએ સત્યવાનને ને સત્યવાને સાવિત્રીને અજાણ્યાં હોવા છતાંય એક-બીજાને
ઓળખી લીધાં. અનેક જન્મોનો ઉપસંહાર આ જન્મમાં થઈ ગયો. જેને માટે તેમણે લાંબી
વાટ જોઈ હતી તે આનંદે તેમને ચકિત કર્યાં, જુદા જુદા માર્ગોએ આવેલાં પ્રેમીઓ
પરસ્પર મળ્યાં. એકમાત્ર દૃષ્ટિના આઘાતે અંતરાત્માની સ્મૃતિ જાગી ઊઠી.
સ્વર્ગમાં બે તારાઓ અન્યોન્ય પ્રતિ આકર્ષાય તેમ એ બન્ને એકબીજાની તરફ
આકર્ષાયાં, હૃદયે હૃદયને ને આત્માએ આત્માને ઓળખી લીધો. આશ્ચર્યવશ
બનેલાં બન્નેએ આનંદનો અનુભવ કર્યો. એક મૌન આત્મીયતાના ગાઢ સંબંધની ગૂંથણી
કરી.
શાશ્વતીના કિરણમાં આમ એક ક્ષણ પસાર થઈ ને નવા સમાના અંતર્ગર્ભને ધારણ કરતી
હોરા આરંભાઈ.
૬૯
|
|
સાવિત્રીને સર્વ આવ્યું યાદ આ ભાગ્યના દિને,
ગંભીર ગહનોમાં જે હામ માર્ગ હામ જવાની ભીડતો ન 'તો
કિંતુ માનવ વાસોની ભણી ભાગી જવાને વળતો હતો,
ભૂમિ ઉજ્જડ જ્યાં એકતાનતા જબરી હતી,
પ્રભાત ઊર્ધ્વના જ્યોતિર્મય દ્રષ્ટા સમોવડું,
વ્યોમે વિલીન શૃંગોનો ભાવ ઉત્કટતા ભર્યો,
મર્મરાટ મહામોટાં અંતહીન વનોતણો,
-સાવિત્રીને સાંભર્યું ત્યાં સમસ્ત આ.
જાણે હર્ષે લઇ જાતો ઝાંપો કો એક હોય ત્યાં
તેમ ત્યાં તડકે છાયા સ્થાન કેરો આવ્યો એક વળાંક, જે
અઢેલીને હતો ઊભો ધાર એક અજાણી દુનિયાતણી,
ને વીંટાયો હતો મૌન સૂચને ને સંકેતે કોક જાદુના;
તાકતી વનદેવીઓ કેરાં નયનના સમાં
પુષ્પો અવનવાં કુંજોમહીં હતાં
પોતાનાં ગુપ્ત સ્થાનોથી ડોકિયું એ કરતાં 'તાં ઉઘાડમાં,
સ્થિર પ્રભાતણી સાથે કાને વાતો શાખાઓ કરતી હતી,
હર્ષના નાસતા એક ઉચ્છવાસ સમ દોડતી
હતી અલસ ને મંદ વાયુની ઊર્મિ ચંચલા,
તંદ્રાલુ તૃણપર્ણોને લીલે રંગે ને સોનાએ સજાવતી.
એકાંત વનને હૈયે છુપાયાલા
પાંદડાં મધ્યથી ત્યાંના નિવાસીઓ સ્વરે આમંત્રતા હતા,
મીઠા વિમુગ્ધ વાંછા શા ને રહેલા અદૃશ્ય ત્યાં
ઉત્તરો આપતા સૂર આગ્રહી મંદ સૂરને.
પૃષ્ઠે લીલમિયા મૂક દૂરતાઓ નિદ્રાધીન ઢળી હતી,
હતા પ્રકૃતિધામા એ ભાવાવેશી રહેલા અવગુંઠને,
સૌને માટે ન 'તા ખુલ્લા મુકાયલા,
દૃષ્ટિ પ્રકૃતિ કેરી જ પામતી 'તી પ્રવેશ ત્યાં,
જંગલી એ હતા લોપાયલા સમા.
રમ્ય આ આશ્રય-સ્થાને ચિંતામુક્ત હતી ધરા,
શક્તિ ને શાંતિનું ગાન આત્માને એ ગુંજનોથી સુણાવતી.
મનુષ્ય-પગલાંની ત્યાં એકમાત્ર નિશાની દૃષ્ટ આવતી:
વક્ષમાં આ વિશાળા ને ગુપ્ત જીવનના તહીં |
૭૦
|
|
તનવો તીરના જેવો એક માર્ગ જતો હતો;
એણે વીંધી હતું નાખ્યું એની એકાંતતાતણા
સીમાવિહીન સ્વપ્નને.
આ અનિશ્ચિત પૃથ્વીની પર એને પહેલી વાર હ્યાં મળ્યો
એ એક જેહને માટે હૈયું એનું આવ્યું 'તું દૂર આટલે.
જેમ પ્રકૃતિની પૃષ્ઠભૂએ ચિત્રિત આત્મ કો
ઉદ્દીપ્ત જીવનોચ્છવાસે સર્જેલા સ્વપ્નને ગૃહે
ક્ષણ માટે ખડો થતો
લીલા ઉઠાવ કરી ને સોનેરી રશ્મિ મધ્યમાં
વન કેરી કિનારીએ તેમ એ દૃષ્ટિએ પડયો.
જાણે કે હોય ના શસ્ત્ર જીવસંપન્ન જ્યોતિનું
તેમ ટટાર ને ઊંચો ભાલા શો પરમેશના
દેહ એનો દોરતો 'તો દિવ્ય દીપ્તિ પ્રભાતની.
વિશાળાં શાંત સ્વર્ગો શું ઉદાત્ત સ્વચ્છ શોભતું
ભાલ એનું હતું ધામ તરુણ પ્રાજ્ઞતાતણું,
હતી સ્વાતંત્ર્યની ઘૃષ્ટ શોભા એના અંગો કેરા વળાંકમાં,
ઉદાર વદને એના જીવનાનંદ રાજતો.
દૃષ્ટિ એની હતી પ્રૌઢ દેવો કેરું પરોઢિયું,
શિર એનું હતું જ્યોતિ:સ્પૃષ્ટ કોઈ યુવાન ઋષિશીર્ષ શું,
વપુ એનું હતું એક પ્રેમીનું ને નૃપાલનું.
શક્તિ એનીહતી દીપ્તિમંતો ઉદય પામતી,
હાલતી ચાલતી મૂર્ત્તિ હર્ષ કેરી હોય એવો ઘડાયલો
અરણ્ય-પૃષ્ઠની ધાર હતો એહ ઉજાળતો.
નીકળી વરસો કેરા મૂઢભાવી આતુર શ્રમમાંહ્યથી
વિરોધી ભાગ્યના શાણપણે દોર્યો આવેલો એ હતો અહીં
પુરાણી માતની ભેટે એના કુંજ-નિકુંજમાં.
દિવ્ય સંબંધમાં એના મોટો એહ થયો હતો,
સૌન્દર્ય અથ એકાંત કેરું પાલિત બાલ એ,
નિર્જન જ્ઞાનવાનોના શતકોનો હતો વારસદાર એ,
સૂર્યાતપ અને વ્યોમ કેરો ભ્રાતા બનેલ એ,
ઊંડાણો ને કિનારીની સાથ વાતો કરતો અટતો રહી.
લિપિબદ્ધ ન જે ગ્રંથ તેનો વેદજ્ઞ એ હતો,
એનાં રૂપોતણાં ગૂઢ શાસ્ત્રોના પરિશીલને
એના પાવન ભાવોનું ગુહ્ય એણે ગ્રહ્યું હતું,
|
૭૧
|
|
ભણ્યો 'તો કલ્પનાઓ એ એની ભવ્ય ભુવનાકાર ધારતી,
પઢાવાયો હતો એહ પ્રૌઢિઓથી સ્રોત્ર ને કાનનોતણી,
સૂર્ય-તારક-જવાલાના સ્વર એને હતા શિક્ષણ આપતા,
જાદૂઈ ગાયકો ડાળે બેસી ગાઈ ગાઈને જ્ઞાન આપતા,
ને ચતુષ્પાદના મૂગા ઉપદેશે એને બોધ મળ્યો હતો.
આત્મવિશ્વાસથી પૂર્ણ પગલાંએ
એના મંદ અને મોટા હાથને એ સાહાય્ય આપતો હતો,
ફૂલ જે રીતે વર્ષાનું તે રીતે એ
આલંબન હતો લેતો ભૂમાતાના પ્રભાવનું,
અને પુષ્પ તથા વૃક્ષ સમી વૃદ્ધિ એ સ્વાભાવિક પામતો
એના આકાર દેનારા સમયોને સ્પર્શે પૃથુ થતો હતો.
હતું પ્રભુત્વ એનામાં હોય છે જે મુક્ત પ્રકૃતિઓમહીં
હર્ષ સ્વીકાર તેઓનો અને શાંતિ વિશાળવી;
સર્વમાં છે રહેલો જે એક આત્મા, તે સાથે એકરૂપ એ
પ્રભુને ચરણે દેતો સમર્પી અનુભૂતિ સૌ;
એનું મન હતું ખુલ્લું માના સીમા વિનાના મનની પ્રતિ,
માની આદ્ય શક્તિ સાથે તાલમેળે કર્મ એનાં થતાં હતાં;
મર્ત્ય વિચાર પોતાનો એણે માના વિચારને
વશીભૂત કર્યો હતો.
તે દિને રોજના એના માર્ગોથી એ બીજી બાજુ વળ્યો હતો;
કેમ કે એક જે જાણે ભાગ્યભાર પ્રતિક્ષણે
ને જે પ્રવર્તતો સર્વ સવિચાર-અવિચાર આપણાં પગલાંમહીં,
તેણે પ્રારબ્ધને મંત્રે મંતર્યાં 'તાં પગલાં સત્યવાનનાં,
અને એને હતો આણ્યો પુષ્પોવાળી કિનારીએ અરણ્યની.
આરંભ દૃષ્ટિ સાવિત્રી કેરી દૃશ્યે પ્રસન્ન મંજુ મેળના
રસથી રમતી રહી,
એકસમાન ભાવે એ જિંદગીનાં કૈંક કોટિ સ્વરૂપથી,
આકાશ, પુષ્પ ને પ્હાડો અને નક્ષત્ર આદિથી
કોષાગાર પોતાનો ભરતી રહી.
લીલું સોનું હતી જોતી એ તંદ્રામાં પડેલાં શાદ્વલોતણું,
મંદ પવનની લ્હેરે કંપમાન હતી તૃણ નિહાળતી,
વન કેરાં વિહંગોને સાદે વ્યાપ્ત શાખાઓને નિરીક્ષતી.
હતી પ્રકૃતિની પ્રત્યે સજાગા એ
છતાં અસ્પષ્ટતા યુક્ત હતી જીવનની પ્રતિ, |
૭૨
|
|
બંદી ઉત્સુકતાયુક્ત હતી આવી એ અહીંયાં અનંતથી,
મલ્લયુદ્ધે ઊતરેલી જિંદગીના મૃત્યુગ્રસ્ત નિવાસમાં,
એણે જોઈ મૂત્તિને આ અવગુંઠિત દેવની,
ગર્વ-હેતુ પ્રકૃતિનો, શક્તિ જોઈ, ભાવ જોયો મથતા એ ઇશનો,
વિચારશક્તિએ સજ્જ સત્ત્વ શ્રેષ્ઠ વિલોક્યું વસુધાતણું,
ફૂલ અંતિમ આ જોયું તારા-સુંદરતાતણું,
કિંતુ કોઈ કળાકાર
જાએ સામાન્ય રૂપાળાં રૂપો જેમ ને રાખે સંઘરી પછી
બાજુના એક છાયાળા સ્મૃતિના ઓરડામહીં,
તેમ તેણે જોયું સત્યવાનની મૂર્ત્તિની પ્રતિ.
દૃષ્ટિ એક કે વળાંક એક કોઈ કરી નિર્ણય આપતો
વિષમસ્થ આપણા ભવિતવ્યનો.
આમ એના સર્વ કેરો
જેની સાથે હતો સૌથી વધુ સંબંધ, તે સમે
છાવરી નાખતાં એની આંખોનાં પોપચાં તળે
ન સાવધ કરાયેલો મંદ બાહ્યવર્તી માનસના વડે,
દૃષ્ટિરૂપી ચાર દૂર ભમતો 'તો દરકાર કર્યા વિના
તટસ્થતા ભર્યો, ત્યાંનું સૌન્દર્ય માત્ર સેવતો
અને એને પ્રશંસતો,
દરકાર ન 'તો લેતો
એના દેહાત્મને એના પ્રભુ પ્રત્યે જગાડવા.
આમ ચાલી ગઈ હોત સાવિત્રી ત્યાં
યદ્દ્ચ્છાના અજ્ઞ માર્ગો પરે થઈ,
ને સાદ સ્વર્ગનો હોત ચૂકી, એણે
લક્ષ્ય હોત ગુમાવ્યું જિંદગીતણું,
કિંતુ સ્પર્શ્યો સવેળા ત્યાં દેવ એના સચૈતન્ય ચિદાત્મને.
દૃષ્ટિ સ્થિર થઈ એની, પકડાઈ, બદલાઈ ગયું બધું.
મન એનું વસ્યું પ્હેલું આદર્શ સપનાંમહીં,
અંતરંગ બની જેઓ પલટો દે સંકેતોને ધરાતણા,
ને જ્ઞાત વસ્તુઆને દે બનાવી એક સૂચના
અદૃષ્ટ ભૂવાનોતણી:
સ્થાનનો દેવતા જોતી સાવિત્રી સત્યવાનમાં,
દૃશ્યો મધ્યે ધરા કેરાં સ્થિત મૂર્ત્તિ પ્રતીકની,
પ્રભુ પ્રાણતણો રૂપરેખાધારીસુકુમાર સમીરમાં. |
૭૩
|
|
છતાં આ તો હતું માત્ર દિવાસ્વપ્ન ક્ષણેકનું;
કેમ કે સહસા એના હૈયે દૃષ્ટિ બ્હાર એની પરે કરી,
પ્રયોજી રાગથી પૂર્ણ દૃષ્ટિ, જેની કો વિચાર બરાબરી
કરવાને સમર્થ ના,
ઓળખી એકને લીધો સમીપતર જે હતો
હૈયા કેરા પોતાના ગાઢ તંતુથી.
થયું ચકિત સૌ એક ક્ષણમાં ને બદીવાન બની ગયું,
લેવાયું ને રખાયું સૌ ભાનભૂલી મુદામહીં,
અથવા કલ્પના કેરાં રંગીન પોપચાં તળે
ધરાયું ઊંચકાઈને સ્વપ્ન કેરી હવાઈ આરસીમહીં,
ફરીથી સજવા વિશ્વ ફાટી ઊઠયું ભભૂકતું,
ને એ જવાલામહીં જન્મ સાવિત્રીનો થયો નવી
વસ્તુઓને વિલોકતો.
એનાં ઊંડાણમાંહેથી ગૂઢ એક ગોલમાલ સમુદભવ્યો;
આરામે સ્વપ્ન સેવંતો જેમ કોઈ
બોલાવતાં સપાટાએ સીધો ઊભો થઈ જતો
તેમ જોવા પ્રાણ દોડયો એકેએક ઇન્દ્રિયદ્વારમાં થઈ :
અસ્પષ્ટ, હર્ષથી પૂર્ણ વિચારો ચંદ્રમાતણા
તુષારોએ ભરેલાં ગગનોમહીં,
કો એક વિશ્વ જન્મે છે તે સમાએ જાગતી હૃદયોર્મિઓ,
સોનેરી દેવતાઓના વૃન્દે જેને સમાક્રાન્ત કર્યું હતું
તે વિક્ષોભે ભર્યા તેના વક્ષ:પ્રદેશમાં થઈ
વેગે સંચરતાં હતાં:
આશ્ચર્યના પુરોધાઓ કેરે સ્તોત્રે પ્રબોધિત
એના ચૈત્યે કર્યાં ખુલ્લાં
પૂરેપૂરાં નિજ દ્વારો નવા આ સુર્યની પ્રતિ.
કિમીયાએ કર્યું કામ રૂપાંતર થઈ ગયું;
આદેશ સાથ આવેલા મુખે રાજ-જાદૂ સિદ્ધ કર્યો હતો.
બે પાસે આવતી આંખોકેરી અનામ જયોતિમાં
ભાગ્યનિર્માણ પામેલું સાવિત્રીના દિનોતણું
ત્વરાયુક્ત વળવું નજરે પડયું
ને એ અજ્ઞાત વિશ્વોની પ્રભાની પ્રતિ વિસ્તર્યું.
તે પછી ગૂઢ આઘાતે હૈયું એનું પ્રકંપતું
એની છાતીમહીં હાલ્યું, ને ડાળી પર પાસની |
૭૪
|
|
બેઠેલા નિજ સાથીને સાંભળીને વિહંગ કો
આપે ઉત્તર તે રીતે ઊઠયું પોકાર એ કરી.
ખરીઓ ખૂંદતી વેગે ને પૈડાંઓ અટકયાં ગોળ ઘૂમતાં,
રોકેલા વાયુની પેઠે રથ ઊભો રહી ગયો.
ને જોયું સત્યવાને ત્યાં નિજાત્મદ્વારમાં થઈ
અને અનુભવી એના સ્વચ્છ સ્નિગ્ધ સ્વરની મુગ્ધ મોહની,
જેણે દીધું ભરી એની જુવાનીનું વાતાવરણ જામલી,
ને એણે પૂર્ણ સૌન્દર્યે શોભામાન મુખ કેરી ચમત્કૃતિ
વારે વારે આક્રાન્ત કરતી લહી.
મકરંદે થઈ મા'ત નવાઈના મુખપુપષ્ટણા તથા
આકૃષ્ટ આત્મવિસ્તારો પ્રત્યે ખુલ્લા
થતા 'તા જે ભાલની આસપાસમાં
સમુદ્ર ચંદ્રની પ્રત્યે વળે તેમ વળ્યો એ દર્શન પ્રતિ,
સ્વપ્ન સુંદરતા કેરું ને રૂપાંતરતાતણું
નિજમાં દીધ આવવા,
મર્ત્ય મસ્તકની આસપાસ એણે જોયું મંડળ જ્યોતિનું,
આરાધી વસ્તુઓમાંની એક નૂતન દિવ્યતા.
આગમાં ઓગળી જાય તેમ એનો
સ્વયંબદ્ધ સ્વભાવ ઓગળી ગયો;
એનું જીવન લેવાઈ ગયું અન્ય કેરા જીવનની મહીં.
એના મસ્તિષ્કની ભવ્ય પ્રતિમાઓ અટૂલડી
નવા નિઃસીમને સ્પર્શે જાણે ના હોય તેમ ત્યાં
પડી પ્રણતિ અર્પંતી પ્રકાશંતી નિજ પર્યાપ્તતા તજી
અર્ચવાને દેવતા કો પોતાનો જે હતો તેથી મહત્તર.
અજ્ઞાત એક ઉદ્દામ શક્તિ દ્વારા
સાવિત્રીની પ્રત્યે ખેંચાઈ એ ગયો.
આવ્યો સાશ્ચર્ય એ પાર કરી હેમતૃણસ્થલી:
મીટ સાથે મળી મીટ નજીકથી
ને આશ્લેષ સધાયો દૃષ્ટિઓતણો.
મુખમુદ્રા હતી એક ઉમદા ને શાંત ગૌરવથી ભરી,
વિચારવર્તુલે જાણે હોય ઘેરાયલી નહીં
એવી વિશાલ ને ધ્યાનમગ્ન જ્યોતિતણી એક કમાન કો,
આભામંડલ કો ગુપ્ત અર્ધમાત્ર જાણે કે દૃશ્યમાન ના;
અંતર્દર્શનને એના હજી યાદ રહેલું જાણમાં હતું |
૭૫
|
|
કપાલ એક કે જેણે
પ્હેર્યો તાજ હતો એના સમસ્ત ભૂતકાળનો,
બે નેત્રો જે હતાં એના સ્થિર શાશ્વત તારકો,
સાથી શાસક બે નેત્રો દાવો જે કરતાં હતાં
એના ચૈત્યાત્મની પરે,
પ્રેમના ફ્રેમ જેવાં બે જિંદગીઓ ભર જાણેલ પોપચાં.
સાવિત્રીની મીટમાં સત્યવાનને
થયો ભેટો પોતાની ભાવિ-દૃષ્ટિનો,
આશા એક, સંનિધાન એક, એક અગ્નિ એને મળી ગયો,
ક્લ્પોનાં સ્વપ્નને એણે જોયાં મૂર્ત્ત બનેલ ત્યાં,
જેને માટે વિશ્વમાં આ અલ્પજીવી મર્ત્યતા ઝંખના કરે
તે રહસ્ય નિહાળ્યું ત્યાં એણે પરમ હર્ષનું
સ્થૂલ સ્વરૂપમાં એનું પોતાનું જ બની જેહ ગયું હતું.
મૂર્ત્તિ સોનલ આ એના સમાશ્લેષે સમર્પિતા,
એનાં સકલ લક્ષ્યોની ચાવી હૈયે પોતાના ગુપ્ત રાખતી,
આનંદ અમૃતાત્માનો પૃથ્વી ઉપર લાવવા
માટેનો મંત્ર એ હતો,
સ્વર્ગીય સત્યની સાથે મર્ત્યો કેરા વિચારને
સંયોજિત બનાવવા,
ઉરો પાર્થિવ ઉદ્ધારી લઈ જાવા સનાતન-સ્વરૂપના
સૂર્યોની નિકટે વધુ.
અવતાર લઈ હાલ આવેલા હ્યાં
આ મહાન બે આત્માઓતણી મહીં
શાશ્વતીમાંહ્યથી પ્રેમે શક્તિ આણી હતી તલે
નવું મથક પોતાનું મૃત્યુમુક્ત જિંદગીને બનાવવા.
ઉત્તરંગ થયો એનો અનુરાગ અગાધ ગહનોથકી;
ભુલાયેલાં દૂર કેરાં શિખરોથી
છલંગીને આવ્યો એ પૃથિવી પરે,
છતાં અનંતતા કેરો રાખ્યો એણે સાચવી સ્વ-સ્વભાવને.
ભૂના ભૂલકણા ગોળા કેરા મૂગા વક્ષ:સ્થળતણી પરે
અજાણ્યા જીવના જેવું મળવાનું જોકે દેખાય આપણું
તો યે ના પરદેશીઓ જેવાં જીવન આપણાં
ને અજાણ્યાં જેવાં એ મળતાં નથી,
અકારણ બળે એક પ્રેરાઈને અન્યોન્ય પ્રતિ એ વળે.
|
૭૬
|
|
અળગા પાડતા કાળ આરપાર ઓળખી આત્મ કાઢતો
એને પ્રત્યુત્તરો દેનાર આત્મને,
રહોએ જિંદગી કેરા યાત્રી લીન ને આચ્છાદનની મહીં
વળતાં વાર પામે છે જાણીતાં દીપ્ત ગૌરવો
અજાણ્યા મુખની મહીં,
ને ક્ષિપ્ર પ્રેમના ચેતાવંતા અંગુલિ-સ્પર્શથી
આમોદાર્થે મર્ત્ય દેહ ધારનારો
અમરાનંદ પામીને લહે છે રોમહર્ષણો.
શક્તિ છે ભીતરે એક જાણે છે જે આપણી જાણ પારનું;
વિચારોથી આપણા આપણે છીએ મહત્તર;
આ દર્શન કરી દેતી ખુલ્લું કોક વાર વસુમતી અહીં.
જીવવું, કરવો પ્રેમ
એ છે નિશાનીઓ સીમાવિમુક્ત વસ્તુઓતણી.
પ્રેમ છે મહિમા દિવ્ય આવનારો શાશ્વતીનાં જગત્ થકી.
ભ્રષ્ટ, વિરૂપ કીધેલો, વિડંબાતો બળોથી હીન કોટિનાં
જે ચોરી એહનું નામ લેતાં, લેતાં એનું રૂપ
ને લેતાં સંમુદા હરી,
છતાં યે દેવ એ દેવા પલટાવી સઘળું યે સમર્થ છે.
અચેત આપણે દ્રવ્યે જાગતી એક ગુહ્યતા,
આપણી જિંદગીને જે નવે રૂપે ઘડી શકે
એવો એક પરમાનંદ જન્મતો.
વણ-ખુલ્યા ફૂલ જેવો આપણામાં પ્રેમનો વાસ હોય છે
વાટ જોતો વેગવંતી શ્રવણની અંતરાત્મની,
યા મંત્રમુગ્ધ નિદ્રામાં
વિચારો ને વસ્તુઓની વચ્ચે એ અટતો રહે;
બાલ-પ્રભુ કેરી લીલા રહેલો છે, શોધે છે એ સ્વરૂપને
અનેક હૃદયોમાં ને મનોમાં ને જીવતાં રૂપની મહીં :
સમજી એ શકે પોતે એવા સંકેત કાજ એ
વિલંબ કરતો રહે,
ને એ સંકેત આવે કે જાગી એ અંધ ઊઠતો
કોઈ એક સ્વરે દૃષ્ટે, સ્પર્શે યા તો મુખના એક માયને.
દેહ કેરું તમોગ્રસ્ત મન સાધન એહનું,
દૃષ્ટિ અંતરની દિવ્ય હવે ભૂલી ગયેલ એ,
નિસર્ગ-સૂચનો કેરા મોટા સમૂહ મધ્યમાં |
૭૭
|
|
માર્ગદર્શન કારણે
બ્હારની ચારુતા કેરી સંજ્ઞા કો એક એ ગ્રહે,
અભાસોમાંહ્ય પૃથ્વીના સત્યો સ્વર્ગીય એ પઢે,
દેવને બદલે દેવમૂર્ત્તિ કેરી સ્પૃહા કરે,
રૂપનાં અમૃતત્વોના ભાખે છે એ ભવિષ્યને
ને કંડારેલ આત્માને રૂપે લે છે સ્વીકારી એ શરીરને.
મર્મી દ્રષ્ટા સમો ભાવ પ્રેમનો ભક્તિએ ભર્યો
નાખે છે દર્શન દ્વારા દૃષ્ટિ અદૃશ્યની પ્રતિ,
લિપિમાં પૃથિવી કેરી જુએ છે એ આશય પરમાત્મનો;
પરંતુ મન માને છે ખાલી કે "એક આ જુઓ,
જેને માટે રાહ લાંબી જીવને મુજ જોઈ છે
ચરિતાર્થ થયા વિના,
જુઓ અચિંતવ્યો મારી જિંદગીનો મહાપ્રભુ."
હૈયાને કાજ ફંફોળે હૈયું, અંગ
પોકારે છે અંગ માટે પ્રતિ-ઉત્તર આપતા;
જે સર્વ એકરૂપે છે તે દબાણ કરે છે ઐકય કારણે.
પ્રેમ સ્વ-સત્ય શોધે છે અતિ દૂર રહીને ભગવાનથી,
જિંદગી આંધળી છે ને કરણો વંચના કરે,
ને એને કરવા ભ્રષ્ટ છે બળો જે કામે લાગી રહેલ છે.
શક્ય દર્શન છે તો ય અને શક્ય આવાગમન હર્ષનું.
પ્રભુના જન્મને ઝીલી શકે એવું જેમ વિરલ પાત્ર છે
તેમ વિરલ છે પ્યાલો
પ્રેમામૃતતણું મધ ધારવાની યોગ્યતા જેહની મહીં.
હજારો વરસો કેરે કાર્યે આત્મા થયો તૈયાર હોય જે
તે જીવંત બને ઢાળો પરમોચ્ચ જેની અંદર ઊતરે.
સાવિત્રી ને સત્યવાન
અજાણ્યાં આમ આકારે છતાં બન્ને પ્રીછતાં 'તાં પરસ્પર.
અજાણ્યાં આંખને જોકે, જોકે જીવન ને મન
ધારવાને નવો અર્થ બદલાઈ ગયાં હતાં,
છતાં અસંખ્ય જન્મોનો
ઉપસંહાર આ બન્ને શરીરોમાં થયો હતો
ને આત્માને કાજ આત્મા એનો એ જ રહ્યો હતો.
થતાં ચકિત આનંદે
જેને માટે હતી જોઈ વાટ દીર્ધ સમાથકી, |
૭૮
|
|
પ્રેમીઓ પોતપોતાના પૃથક્ માર્ગ પરે મળ્યાં,
અસીમ કાલ-વિસ્તારો પર યાત્રા કરતા એ મુસાફરો
પોતાના માનવી ભૂતકાળ કેરા સ્વયં-સંવૃત નિર્જને
દૈવે દોરાયલી યાત્રામાંથી ખેંચી પાસ પાસ અણાયલા,
ભાવી હર્ષતણા ક્ષિપ્ર પ્રહર્ષે પૂર્ણ સ્વપ્નમાં
ને આ આંખોતણા એક અચિંતા વર્તમાનમાં
સામ સામે ઉપસ્થિત થઈ ગયા.
આવિષ્કારો અર્પનારા માહાત્મ્યે એક દૃષ્ટિના
આઘાત રૂપનો પામી જાગી ઊઠી આત્માની સ્મૃતિ ઇન્દ્રિયે,
હતું બે જીવનો વચ્ચે જેહ ધુમ્મસ તે થઈ
ગયું વેરવિખેર સૌ;
અનાવૃત થયું હૈયું સાવિત્રીનું
અને એને પામવાને વળ્યું ત્યાં સત્યવાનનું;
તારો તારા વડે જેમ આકર્ષાતો અનંતમાં
તેમ અન્યોન્યની પ્રત્યે આકર્ષાઈ
આશ્ચર્યમાં પડી તેઓ મોદ પામ્યાં
ને મૂક મીટના દ્વારા ગ્રંથી દીધી ઘનિષ્ટતા.
શાશ્વતીના રશ્મિરૂપી પસાર ક્ષણ ત્યાં થઇ,
આરંભાઈ ઘડી ગર્ભે લઈ નૂતન કાળને. |
૭૯
બીજો સર્ગ સમાપ્ત
|